અહેવાલ : જયેશ માંડવીયા
રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે, ડેમલીન દવા સુરતની કોઇ પેઢી દ્વારા એમેઝોન પર વેચાઇ રહી છે.

આ બાતમીના આધારે ગાંધીનગરના વાય. જી. દરજી. નાયબ કમિશ્નર (આઇ.બી.), બી. એન. વ્યાસ, મદદનીશ કમિશ્નર (આઇ.બી.), ડો. પી. બી. પટેલ, ઔષધ નિરીક્ષક, પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત અને સુરત કચેરીના અન્ય અધિકારીઓની સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને દવાઓ / કોસ્મેટીકનું વેચાણ કરતી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં આયુષી એન્ટરપ્રાઇઝ, 209, શ્રી પુજન પ્લાઝા, એસ.એમ.સી. લિંબાયત ઓફિસ પાસે, સુરત દ્વારા આ પ્રોડક્ટ પર બજારમાં ઉપલબ્ધ એલોપેથીક ઓઇન્ટમેન્ટની કોપી કરી બનાવટી લાયસન્સ નંબર છાપી લેબલ બનાવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે રૂ. 999 વસુલ કરી ઓઇન્ટમેન્ટ / ક્રિમ કેટેગરીની દવાનું વેચાણ સાવંત રાહુલ (રહે. 85, ઉમીયા નગર-1, ડિંડોલી, સુરત) ને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ ઉપરાંત આર. જે. એન્ટરપ્રાઇઝ (212, ધી પ્લેટીનીયમ પ્લાઝા, વીટી સર્કલ પાસે, જકાતનાકા, સુરત)ના માલીક રુત્વીક કથીરીયા દ્વારા લેબલ વગર આયુષી એન્ટરપ્રાઇ દ્વારા જે મુજબ દવાનું પેકિંગ અને બીલ બનાવી સપ્લાય કરતા તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ.
વધુમાં આર.જે.એન્ટરપ્રાઇઝ ખુબ જ મોટા પ્રમાણમાં લેબલ વગરના કોસ્મેટીકનું ઉત્પાદન કરાવી તેઓના નિયમીત કસ્ટમરોને કોઇપણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર તેઓના ગોડાઉનમાં જ પેકીંગ કરી ટેસ્ટીંગ કર્યા વગર વેચાણ કરતા હોવાનું તપાસ દરમ્યાન ખુલેલ છે અને તેઓ તેઓની બહેન નિશા કથીરીયા કે જેઓ લેબલ બનાવવાના જાણકાર હોઇ તેઓની પાસેથી અલગ-અલગ બ્રાન્ડનું તથા બીજાના ઉત્પાદનનું ડુપ્લીકેટ લેબલ બનાવડાવતા હતા અને કોસ્મેટીકનું વેચાણ કરતા હોવાનું પકડી પાડેલ.તેઓ લેબલ વગરની દવા અને કોસ્મેટીક સુરતના ઉત્પાદક કાહીરા બાયોટેક સુરત પાસે મેળવેલ હોવાનું પણ તંત્રના અધિકારીઓએ પકડી પાડેલ છે. આ તપાસ દરમ્યાન કુલ 14 નમુનાઓ લઈ પૃથ્થકરણ અર્થે મોકલી આપેલ છે.
ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી અર્થે 30 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસનો ધમધમાટ ચાલુ કરેલ છે. આ ત્રણેય પેઢી દ્વારા કેટલા સમયથી કોને-કોને ડુપ્લીકેટ દવા અને કોસ્મેટીકનું વેચાણ કરેલ છે તેની તપાસ તંત્રના અધિકારીઓ કરી રહ્યા છે.