અહેવાલ : જયેશ માંડવીયા
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા હતા. આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થાય નહીં તે માટે પોલીસ દ્વારા કાર્યાલયની પાલડી ચાર રસ્તા સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગ બન્યું હતું. બન્ને પક્ષે પથ્થરમારો કરવાની સાથે દંડાવાળી પણ કરવામાં આવી હતી. સાથે જ કામની બોટલો પર ફેંકાઈ હતી. આ ઘટનામાં કુલ સાતથી આઠ લોકોને ઈજા પહોંચતા તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સાથે આ ઈજાગ્રસ્ત લોકોમાં ચારથી પાંચ પોલીસ કર્મી અને અધિકારી પણ સામેલ છે.
આ મામલે સેકટર-1 જેસીપી નિરજકુમાર બડગુજરે જણાવ્યું કે, તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ મામલે ભાજપ, કોંગ્રેસ અને પોલીસ તરફથી બે ફરિયાદ નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે હજુ સુધી કોંગ્રેસના નેતાઓ ફરિયાદ નોંધાવા આવ્યા નથી. આ નેતાઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવા ગયા હતા. કાર્યકરોએ પથ્થરમારો શરૂ કર્યો ત્યારે વાતાવરણ તંગ બનતા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યાલયમાં સર્ચ કર્યુ હતું. જે જે જગ્યા પર પથ્થર હતા તે જગ્યાઓ પર વિડીયોગ્રાફી સાથે સર્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક કોંગ્રેસના નેતાઓ પોલીસથી બચવા માટે અંદર જ પુરાઈને બેઠા હતા.

કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ મળીને આશરે સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ 25થી વધુ લોકોની અટકાયત કરી હતી. પોલીસે બંને પક્ષના નેતાઓનું સાંભળીને ત્રણ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
રાહુલ ગાંધીએ ભાજપના નકલી હિન્દુત્વને ખુલ્લું પાડી સરકારની નિષ્ફળતા ઉજાગર કરતા ડરી ગયેલા ભાજપ અને આરએસએસના લોકોએ ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર ગુંડા તત્વો-મવાલીઓને મોકલીને હુમલો કરવાનું હિચકારું કૃત્ય આચર્યુ હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધપક્ષના નેતા અમીત ચાવડાએ કર્યો છે.
રાહુલ ગાંધીએ હિન્દુઓ અંગે કરેલા નિવેદન બદલ હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ તેવી માંગણી ભાજપે કરી છે. પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું છે કે, રાહુલ ગાધીએ હિન્દુ સમાજનું અપમાન કરવાનું કામ કર્યું છે. હિન્દુ સમાજ સહિષ્ણુ હોય છે. પોતે અહિંસામાં માનતી હોય છે ત્યારે આવુ હળાહળ જૂઠ્ઠાણું ફેલાવવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું છે.