અહેવાલ : જયેશ માંડવીયા
ATM મશીનના ઉપયોગથી રૂ.10માં કાપડની મોટી થેલી પ્રાપ્ત થશે યાત્રાધામ સોમનાથ, દ્વારકા, શામળાજી અને સાળંગપુર ખાતે પણ કાપડની થેલીના ATM મુકવામાં આવશે.

રાજ્યને ‘પ્લાસ્ટિક બેગ ફ્રી’ બનાવવા રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ દ્વારા તેમજ અંબુજા એક્સપોર્ટરના સહયોગથી રાધેકૃષ્ણ મંદિર-ભાડજ, મણિનગર- અમદાવાદ અને નાના અંબાજી- ખેડબ્રહ્મા ખાતે કાપડની બેગના ATM મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષ શ્રી બારડે જણાવ્યું હતું કે, આજે તા. 3 જુલાઇ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ’ નિમિત્તે રાજ્યમાં કાપડની બેગનો ઉપયોગ વધે અને પ્લાસ્ટિક બેગથી થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી આ ATM મશીન મુકવામાં આવ્યા છે.આ મશીનના ઉપયોગથી રૂ. 10માં કાપડની મોટી થેલી પ્રાપ્ત થશે.