અહેવાલ : જયેશ માંડવીયા
કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા ગેરરીતિઓને ડામી દેવા મેદાને ઉતર્યા. સૌરાષ્ટ્રનું હૃદય સમી રાજકોટ સિવિલ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર અને કૌભાંડોનો અડ્ડો બની ગઈ હોય તેવી અનેક વાતો પ્રકાશમાં આવી ચુકી છે. જેને પગલે થોડા સમય પુર્વે સરકારે હરકતમાં આવી સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટ ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવી અન્ય એક મહિલા અધિકારીને ચાર્જ સોપવામાં આવ્યો છે.

ત્યારે હજી પણ સિવિલમાં ચાલી રહેલા અને કૌભાંડો અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ન્યાય મેળવવા માટે રાજકોટ કામદાર યુનિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ન્યાયની માંગણી કરાઈ છે. ત્યારે આવનારા સમયમાં ભ્રષ્ટાચારી તંત્ર સામે કેવા પગલા ભરવામાં આવશે તે જોવું રહ્યું.
રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ વડાપ્રધાનને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, તેઓ સિવિલ હોસ્પિટલના ગેરવહીવટ સામે છેલ્લા છ માસથી લડત ચલાવી સફાઈ કર્મચારીઓ,સીક્યુરીટી કર્મચારી તથા અન્ય વર્ગ-૪ના કર્મચારીઓના શોષણ બાબતે અવારનવાર રજૂઆત કરવા છતાં સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ આઉટ સોર્સ એજન્સીના કબજામાં હોય જેને લઇ કોઈપણ પ્રકારનું પરિણામ મળતું નથી. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મી તરીકે કામ કરતા લોકોને બીમારી લાગુ પડતા તેઓ નિવૃત્ત થવા માંગતા હોવાને લીધે સિવિલ હોસ્પિટલમાંથી સર્ટીફીકેટ લેવું ફરજીયાત હોય છે.
જેને લઇ તેઓના પરિવારજનોને નોકરી મળી શકે પરંતુ તેમ છતાં પણ તેમની મજબૂરીને તક માની આવા સર્ટીફીકેટ આપવામાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જગજાહેર છે સાથોસાથ પોતાની માગણીનો ઉલ્લેખ કરતા જણાવ્યુંકે, મેડીકલ સર્ટીફીકેટ ઇશ્યુ કરવાના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોની તપાસ કરી ફોજદારી રાહે કાર્યવાહી કરવી જરૂરી છે.
આ ઉપરાંત તમામ વર્ગ-૪ના કર્મીઓને સરકારના ધારાધોરણ મુજબ જુદા જુદા લાભો મળવા પણ જરૂરી છે. જ્યારે આઉટસોર્સીંગ એજન્સીઓ ૧૨૦૦ કર્મચારીનો પગાર લઇ ૬૦૦ કર્મીઓને જ નોકરી પર બોલાવી તંત્ર સામે બેલગામ ભર્યું વર્તન કરે છે. જેથી તે ભ્રષ્ટાચારને ડામવો જરૂરી છે. આ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ પાસેથી હોસ્પિટલની જરૂરીયાતને લગતી સામગ્રીમાં પણ કલ્પના બહારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
જ્યારે વધુમાં જણાવ્યુંકે, આઉટ સોર્સીંગ પર કામ કરતા કર્મીઓને દસ લાખનું વીમા કવચ આપી તેઓનો પગાર પણ તા.૧ થી ૫ દરમિયાન કરી તેઓને રહેણાંક હેતુ માટે આવાસ યોજના તથા વડાપ્રધાન મકાન યોજનામાં અગ્રતાનો ક્રમ રાખી રહેઠાણની ફાળવણી કરવા અંગે પણ સકારાત્મક વિચારવું જરૂરી છે.