યુવાનોને રોજગારી મળી રહે તે માટે રોજગાર કચેરી રોજગાર મેળા અને વિવિધ તાલીમ
કેમ્પોનું આયોજન કરતી રહે છે. એવા ઘણા યુવાનો છે, જે ભારતીય સેનામાં જોડાવા માટેની તૈયારી કરી રહ્યા છે. આવા યુવાનોને તાલીમ આપવા માટે આગામી સમયમાં 90 ઉમેદવારોને સંરક્ષણ ક્ષેત્રની ભરતી પૂર્વેની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે. અગ્નિવીર લેખિત પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોને તાલીમ માટે અગ્રતા આપવામાં આવશે. કોણ લઈ શકશે વિનામૂલ્યે તાલીમ? ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે 8 પાસ, 10 પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા પાસ કે ઉચ્ચ અભ્યાસ પાસ થયેલા 17.5 થી 21 વર્ષની ઉંમર, 168 સેમીથી વધુ ઉંચાઈ (એસ.ટી. ઉમેદવાર માટે 162 સેમી થી વધુ) અને 50 કિ.ગ્રા. વજન અને 77 સેમીથી વધુ છાતી ધરાવતા અપરિણીત પુરુષ ઉમેદવારોએ નિયત અરજી સાથે ફોર્મ ભરવાનું રહેશે. વિનામૂલ્યે તાલીમ મેળવવા કેવી રીતે કરવી અરજી?: દર વર્ષની જેમ વર્ષ 2024-25 માટેની ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માટે તા. 15/10/2024 સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી, વડોદરા ખાતે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. અરજી પત્રક સાથે નીચે જણાવેલા દસ્તાવેજો જોડવાના રહેશે. (1) ઉમેદવારનું નિયત નમૂનામાં અરજી ફોર્મ, સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક (2) આધારકાર્ડની ઝેરોક્ષ (3) બેંક પાસબુકની ઝેરોક્ષ (4) જાતિનું પ્રમાણપત્ર (5) ધોરણ-10ની માર્કશીટ (6) અન્ય ઉચ્ચ અભ્યાસની માર્કશીટ (7) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(લીવિંગ સર્ટિ) (8) ડોમિસાઈલ સર્ટિફિકેટ (9) સ્પોર્ટ/NCC સર્ટિફિકેટ (જો હોય તો) અરજી કરેલા ઉમેદવારોમાંથી સ્ક્રુટીની કરીને તમામ કેટેગરીના 60 ઉમેદવારોને અને 30 અનુસુચિત જાતિ (એસ.સી. ઉમેદવારોને) એમ વડોદરા જિલ્લાના કુલ 90 ઉમેદવારોને આગામી સમયમાં 30 દિવસની 240 કલાકની તજજ્ઞ વક્તા અને ટ્રેનર દ્વારા શારીરિક અને બૌદ્ધિક લેખિત પરીક્ષાની ફ્રી નિવાસી તાલીમ આપવામાં આવશે.તાલીમમાં ઉમેદવારોને 30 દિવસની ફ્રી રહેવા, જમવા અને સ્ટાઈપેન્ડ સાથેની તાલીમ તજજ્ઞ વક્તા ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને ફીઝીકલ અને લેખિત તાલીમ આપવા માંગતી અનુભવી સંસ્થા, શિક્ષક તેમજ ફેકલ્ટી,કો-ઓર્ડિનેટર પણ આ ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે.