દ્વારકા તાલુકાની વિવિધ શાળાઓમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ કરાવાયો.

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉજવાઈ રહેલા ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત બીજા દિવસે દ્વારકા તાલુકાની વિવિધ ૩૫ શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશની ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી.

તાલુકાની ભીમરાણા, મોજપ, ઓખા, મીઠાપુર, દ્વારકા તાલુકા શાળા,ટી.વી. સ્ટેશન શાળા સહિતની વિવિધ શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. સામાન્ય વહિવટ વિભાગનાં સંયુક્ત સચિવ એચ. કે. ઠાકર, નાયબ સચિવ એન. એમ .પંડ્યા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નાયબ સચિવ એસ. ડી. જોષીએ વિવિધ રૂટ પર પ્રવેશોત્સવ કાર્યક્રમોમાં ઉપસ્થિત બાળકો, વાલીઓને સરકારની શિક્ષણને લગત વિવિધ યોજનાઓ અને કાર્યોને વર્ણવીને વિશેષ શિક્ષણ મેળવવા પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ નમો લક્ષ્મી, નમો સરસ્વતી તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા તમામને અપીલ કરી હતી. આ કાર્યક્રમોમાં બાળકોને મહાનુભાવોના હસ્તે બેગ, ચોપડાં, પેન્સીલ વગેરેની શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, તેમજ તેજસ્વી છાત્રોનું સન્માન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ દ્વારકા તાલુકાની શાળાનાં આચાર્ય, શિક્ષકો, સી.આર.સી., બી.આર.સી., ટી.પી.ઈ.ઓ, સંકળાયેલા વિવિધ અધિકારી તેમજ પદાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમોમાં દેવભૂમિ દ્વારકા શિક્ષણ સમિતિના ચેરમેન, તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ તેમજ દ્વારકા ચીફ ઓફિસર,ઓખા ચીફ ઓફિસર , કાર્પાલક ઇજનેર પણ જોડાયા હતા.