
અહેવાલ : જયેશ માંડવીયા
હરિયાણામાંથી દિલ્હીને તેના હિસ્સાનું પાણી મેળવવા માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના મંત્રી આતિશીની તબિયત બગડતાં લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આતિશીનું શુગર લેવલ ઘટી ગયું છે.
દિલ્હીના મંત્રી શુક્રવારથી ઉપવાસ પર છે. અને તેમનું કહેવું છે કે ‘હરિયાણાથી દિલ્હીમાં લગભગ 110 MGD ઓછું પાણી આવી રહ્યું છે. જેના કારણે દિલ્હીના લગભગ 28 લાખ લોકોને પાણી નથી મળી રહ્યું. હરિયાણાના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ પણ દિલ્હીને પાણી મળ્યું નથી.’ ઉલ્લેખનીય છે કે ચાર દિવસથી ઉપવાસ પર બેઠેલી આતિશીની તબિયત લથડતા મોડી રાત્રે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ‘આતિશીનું બ્લડ શુગર લેવલ રાતથી ઘટી રહ્યું હતું. જ્યારે અમે તેમના બ્લડ સેમ્પલ આપ્યા ત્યારે સુગર લેવલ 46 હતું. જ્યારે અમે પોર્ટેબલ મશીન વડે તેનું શુગર લેવલ ચેક કર્યું તો લેવલ 36 હોવાનું બહાર આવ્યું હતું. હાલ ડૉકટરો તપાસ કરી રહ્યા છે.