બેથી અઢી કલાક બાદ આગને ફાયર બ્રિગેડે કાબુમાં લીધી હતી.આસપાસના વિસ્તારમાં સમાંયતે આગના બનાવો બનતા હોવા છતાં તંત્ર ભેદી મૌન. ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, અઢી કલાકે કાબૂમાં લેવાઈ, વાપીમાં મચી અફરા-તફરી.

વાપી નજીક કરવડ ગામે તળાવ નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં આજે સોમવારે મળસ્કે આગ સળગી ઉઠી હતી. જોતજોતામાં આગે ગોડાઉનને લપેટમાં લઇ લેતા ભારે ભાગદોડ મચી ગઇ હતી. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. ઘટનાને પગલે વાપી નગરપાલિકા અને નોટિફાઇડના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભીષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયતમાં લગભગ બેથી અઢી કલાક બાદ આગ કાબુમાં આવી હતી.
પોલીસ પણ આગને પગલે દોડી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાપી તથા આસપાસના વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં સમાંયતરે આગના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. પોલીસ ઘટના બાદ ભંગારીયાઓ સામે ગુનો નોંધી સંતોષ વ્યક્ત કરી રહી છે. પરંતું લોકોના જીવ સામે જોખમ અને પર્યાવરણને નુકશાન કરનારા ભંગારીયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કોઇ કડક કાર્યવાહી કરાતી નથી. જો કે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ મામલતદાર દ્રારા હાથ ધરાયેલા ચેકિંગમાં 60 ભંગારના ગોડાઉનોને સીલ કરી દીધા હતા. જિલ્લા કલેક્ટર ગેરકાયદે ચાલતા ભંગાર ગોડાઉન સંચાલકો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.