સત્ય અને ઉજાગર પ્રતિનિધિ દ્વારા

રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર માધાપર ચોકડી પાસેથી જીવદયાપ્રેમીઓ અને પોલીસે બાતમીના આધારે મેટાડોરમાં કતલખાને ધકેલાતા ૮ પશુઓને બચાવી જામજોધપુરના શખ્સની ધરપકડ કરી હતી. આ પશુઓ ખંભાળીયાથી સુરત લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર રહેતા અને ગુજરાત ગેસમાં પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ઘિયાડ (ઉ.વ.૩૪)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ કૃપા ફાઉન્ડેશનમાં જીવદયા પ્રેમી તરીકે જોડાયેલા હોય દરમિયાન ગત રાતે તેઓને બાતમી મળી હતી કે જામનગર તરફથી આઇસર મેટાડોરમાં ભેંસો ભરી સુરત લઈ જવાતી હોવાની બાતમી મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કર્યા બાદ માધાપર ચોકડી પાસેથી આઈશરને ઝડપી લઈ તલાશી લેતા તેમાંથી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વગર ખીચોખીચ બાંધેલી ૮ ભેંસો મળી આવી હતી. જેથી પોલીસે આ ભેંસો કબજે કરી મેટાડોર ચાલક સુદાભાઈ અરજણભાઈ કોડીયાતર (રે.મોટા વડીયા, તા.જામજોધપુર)ની ધરપકડ કરી પુછપરછ કરતાં ભાણવડના ચોખંદા ગામે રહેતા બાબુભાઈ ગોજીયાએ આ ભેંસો ભરાવી સુરત લઇ જવા જણાવ્યું હોવાનું કહેતા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.