અહેવાલ : જયેશ માંડવીયા
ગોંડલના જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય ૫ આરોપી સામે જૂનાગઢ અ ડિવિઝન 1 પોલીસ મથકે IPCની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) અને – આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બ)(ફ) તેમજ – એટ્રોસિટી એક્ટની કલમ ૩(૨)(૫) મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે જ્યોતિરાદીપસિંહ સહિત ૫ લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જેને કોર્ટે ફગાવી દેતાં જ્યોતિરાદીપસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ જામીન માટે હાઈકોર્ટ પહોંચ્યો હતો.

આજે આ મુદ્દે સુનાવણી હતી, જેમાં હાઈકોર્ટે ફરિયાદીને નોટિસ આપીને ૧૬ જુલાઈએ વધુ સુનાવણી રાખી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે જ્યારે મોટર સાયકલ લઈને પોતાના દીકરા સાથે ઘર તરફ જતો હતો, ત્યારે એક ગાડી ચાલકને વ્યવસ્થિત ગાડી ના ચલાવવા બદલ ટોક્યો હતો.
જે સંદર્ભે ઝઘડો થવાનો જ હતો, ત્યાં ફરિયાદીના પિતા આવી જતા સમાધાન થયું હતું. જો કે, તે વાતનું ખુન્નસ રાખીને ફરિયાદી રાત્રે પોતાના ઘરે જતો હતો, ત્યારે તેનાં બાઈકને પાછળથી ટક્કર મારીને ગાડીમાંથી કેટલાક શખસો ઉતર્યા હતા. તેને લોખંડની પાઇપ વડે મારીને તેનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને ફરી માર્યો હતો.

ત્યારબાદ ફરિયાદીને ગાડીમાં અપહરણ કરીને ગોંડલ ખાતે આવેલ ગણેશ ગઢ લઈ જવાયો હતો. જ્યાં તેના કપડાં ઉતારીને તેને માર મરાયો હતો. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સાથે જાનથી મારી નાખવાની અને NSUI છોડી દેવા ધમકી આપી હતી. અરજદારના વકીલે જૂનાગઢની કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદીને કઈ ગાડીમાં લઈ જવાયો તેનો નંબર ખબર નથી. આરોપી ફરિયાદીના જ્ઞાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દ બોલ્યો નથી. ઘટનાના કોઈપણ ફૂટેજ મેળવવામાં આવ્યા નથી. ફરિયાદીને ઈજા થયેલાના નિશાન નથી. વળી મોડી રાત્રે જ્યાં કોઈ હોય નહીં ત્યાં જાતિ વિશે શબ્દો બોલ્યા હોવાથી જે કલમો લગાવવામાં લાવી છે તે લાગી શકે નહીં.