રાજકોટના પારડી ગામેથી ૧૭૪ બોટલ વિદેશીદારૂના ચપલા સાથે વેપારી ઝડપાયો

અહેવાલ : જયેશ માંડવીયા
રાજકોટ શહેરની ભાગોળે ઔદ્યોગીક વસાહત શાપર-વેરાવળ નજીક પારડી ગામે પ્રોવિઝન સ્ટોરનો માલીક દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી રૂા.૧૭,૪૦૦ની કિંમતના ૧૭૪ વિદેશી દારૂના ચપલા કબજે કરી દુકાનદરની ધરપકડ કરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસને મળેલી ચોક્કસ, બાતમીના આધારે પારડી ગામે રહેતા દિપક ખોડાભાઈ સાગઠીયાના રહેણાંક મકાન પર દરોડો પાડી રૂા.૧૭,૪૦૦ની કિમંતના ૧૭૪ વિદેશી દારૂના ચપલા કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપી પારડી ગામે પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. જ્યારે આરોપીએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાદી નીચે છુપાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યા પ્રમાણે આરોપી દીવ, દમણથી વિદેશીદારૂ મંગાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી પી.એસ.આઈ. જી.બી.જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.
શાપર-વેરાવળ સર્વોદય સોસાયટીમાંથી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેવાભાઈ નાથાભાઈ માંગરોળીયા પાસેથી રૂા.૩૭૨૦ની કિંમતની ૮ બોટલ વિદેશીદારૂ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.