અહેવાલ : જયેશ માંડવીયા
રાજકોટની જનાન હોસ્પિટલમાં દોઢ વર્ષના માસુમ બાળકન નાસ લેવાના મશીનમાં ઈંજેકશન નાખવાના બદલે બાળકને પગમાં ઈંજેકશન આપી દેતાં તે બાળકનું મોત થયું હતું. આ મામલે મૃતક બાળકના પરિવારજનોએ લાશ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. જે મામલાને લઈને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતાં આ વિવાદમાં જવાબદાર કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતાં નર્સને તાત્કાલીક છુટી કરી દેવામાં આવી છે.

જ્યારે આ મામલે નર્સિંગના જવાબદાર હેડ સહિત નોકરી ઉપર રહેલા કાયમી કર્મચારીઓની સંડોવણી બાબતે તપાસ કમીટી બનાવવામાં આવી છે અને આ કમીટી તબીબી અધિક્ષકને રિપોર્ટ આપ્યા બાદ આ મામલે જવાબદાર નર્સિંગને હેડ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ મામલે પોલીસ દ્વારા જવાબદાર નર્સ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. બાળકનો પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધાશે.
મુળ બિહારના અને ગોંડલના ફેબ્રીકેશનના કારખાનામાં નોકરી કરતાં બીરેન્દ્ર કુસ્વાહાના દોઢ વર્ષના પુત્ર રાજને શરદી ઉધરસ થઈ હોય જેને એક મહિનાથી રાજકોટની સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને ન્યુમોનિયા અને ટીબીની સારવાર ચાલતી હોય બાળકને નાસ લેવાના મશીનમાં ઈંજેકશનથી દવા નાખીને આપવામાં આવતી હોય.
પરંતુ શુક્રવારે બપોરે ફરજ પર રહેલી કોન્ટ્રાકટ બેઈઝથી નોકરી કરતી નર્સે બાળકને જે દવા ઈંજેકશન વડે નાસ લેવાના મશીનમાં નાખવાની હોય તે ઇંજેકશન સીધુ પગમાં આપી દેતાં રાજની હાલત ગંભીર બની ગઈ હતી અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ લાશ સંભાળવાનો ઈન્કાર કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ ઘટનાને લઈને તબીબી અધિક્ષકે જવાબદાર કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતી નર્સને છુટી કરી દીધી છે. જ્યારે તેને ઈંજેકશન આપવા માટેની સત્તા કોણે આપી ? અને તે માટે જવાબદાર કોણ ? અને આ ઘટના વખતે ફરજ પર કાયમી નર્સિંગ સ્ટાફ કોણ હતું ? તે સહિતની બાબતોની તપાસ માટે કમીટી બનાવવામાં આવી છે. પાંચ દિવસમાં આ કમીટી રિપોર્ટ આપ્યા બાદ જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. બીજી તરફ આ મામલે એ ડીવીઝન પોલીસે મૃતક રાજના પિતાની ફરિયાદના આધારે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.