
કર્ણાટકની ફૂડ એન્ડ ડ્રગ્સની તપાસમાં ઘટસ્ફોટ: 22 ટકા સેમ્પલ નિષ્ફળ.દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઇને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પાણીપુરીના સેંપલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા હતા. 22 ટકા સેંપલ ફૂડ સેફ્ટીના ધારાધોરણોમાં નિષ્ફળ નિવડયા છે.
બજારમાં મળતી પાણીપુરીના કુલ 260 સેંપલ એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં 41 સેમ્પલમાં બનાવટી કલર અને કાર્સિનોજેનિક એજેન્ટ્સ મળી આવ્યા હતા, જ્યારે 18 સેમ્પલ માનવ શરીરે માટે હાનિકારક નિકળ્યા હતા.ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસન કે.એ જણાવ્યું હતું કે, અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી, જે બાદ અમે સેમ્પલ એકઠા કર્યા હતા. સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાં મળતી પાણીપુરીના આ સેમ્પલની બાદમાં લેબમાં તપાસ કરવામાં આવી હતી.
સેમ્પલમાંથી બે જોખમકારક પદાર્થ મળ્યા હતા. જેમાં એક છે કાર્સિનોજેનિક, જેના કારણે કેન્સર થવાની શક્યતાઓ રહે છે. જયારે બીજો પદાર્થ છે આર્ટીફીશીયલ કલર, જેને રોડામાઈન-બી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ મંચુરિયન અને કોટન કેન્ડીમાં પણ થતો હોય છે.
હવે તેનો ઉપયોગ પાણીપુરીમાં પણ થવા લાગ્યો છે. આ કેમિકલ બ્રિલિયંટ બ્લૂ અથવા સનસેટ યેલો કલરનું પણ હોય છે. આ તમામ કેમિકલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમકારક માનવામાં આવે છે. અગાઉ કર્ણાટકમાં કોટન કેન્ડીમાં આ કેમિકલ મળી આવતા તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.