અહેવાલ : જયેશ માંડવીયા
ગુજરાતમાં અત્યાર સુધી નકલી કચેરીથી લઇને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા, ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાયા હતા. પરંતુ હવે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો હતો.

એક વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHOની આગેવાનીમાં બાવળામાં આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ હોવાના સમાચાર જાણવા મળતા હતા. પરંતુ એક બોગસ ડોક્ટર અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિપાલિટી હોસ્પિટલ ચલાવતો હતો. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો.
આવા જ એક કિસ્સાનો વીડિયો વાઈરલ થયો હતો. ત્યાર વાઈરલ વીડિયોનું જાણવા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાઈરલ વીડિયોના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને મલ્ટી અનન્ય સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ સ્ટોર પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી.
હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવ્યું ન હતું. આમ અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું. આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હવે જવાબદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થોડી દિવસ પહેલા આ હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું.